Home »News »Bollywood Buzz» Dr Sharad Thakar Wiritng On Amitabh Bachchan

ફિલ્મ ‘આનંદ’થી થયો અમિતજીનો જન્મ

Divyabhaskar.com | May 17, 2011, 12:04 PM IST

dr sharad thakar wiritng on amitabh bachchanડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન પ્રકરણ 2 ડો શરદ ઠાકરે રાજકપૂર, દેવ આનંદ, મનોજ કુમાર , શશી કપૂર, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર અને અલબત, અમિતાભની બધી જ ફિલ્મો જોઈ મારી જીંદગીમાં બહું ઝડપથી બહુ મોટું પરિવર્તન આવ્યું. હું જૂનાગઢ જીલ્લાનાં ત્રણેય કેન્દ્રોમાં એસ.એસ.સીની પરિક્ષામાં પ્રથમ જાહેર થયો અને સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા ક્રમાંકે! સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા પછી જામનગરની મેડીકલ કૉલેજમાં જોડાયો. મારી ઉપર પિતાજીએ લાદેલી નિયંત્રણની ‘સ્પ્રીંગ’ હવે સંપૂર્ણપણે છટકી ગઈ હતી. હું પાગલોની જેમ ફિલ્મો જોવા માંડ્યો. દિવસભરની દોડધામ, રાતભરનાં ઊજાગરાઓ અને વચ્ચેથી ત્રણ કલાક ચોરીને ફિલ્મ જોઈ લેવાની. સાડા ચાર વર્ષમાં દાટ વાળી નાખ્યો. અભ્યાસમાં સહેજ પણ રૂકાવટ આવવા દીધા વગર મેં અસંખ્ય ફિલ્મો જોઈ નાંખી. રાજકપૂર, દેવ આનંદ, મનોજ કુમાર , શશી કપૂર, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર અને અલબત, અમિતાભ! બધા કલાકારોની બધી જ ફિલ્મો સળંગ જોઈ લીધી. આજે હિન્દી ફિલ્મ ઈતિહાસનાં એ સોનેરી વર્ષોનાં લગભગ તમામ અભિનેતાઓ, અભિનેત્રીઓ, ગાયકો, ગાયિકોઓ, ગીતકારો અને સંગીતકારોની નાની-નાની વિગતોની પણ જો મને જાણકારી હોય તો એ પેલા સાડા ચાર વર્ષોનું પરિણામ છે. છેલ્લા પંદર વર્ષથી મારી રાહબરી હેઠળ મ્યુઝિકલ ક્લબનું સંચાલન ચાલી રહ્યું હોય તો એ પણ એને સહેજ જ આભારી છે. મને ઘણાં કલાકારો ગમે છે. મધુબાલા, નરગિસ, નૂતન અને વહિદા જેવી અભિનેત્રીઓ આજે પણ મારા શ્વાસોની સુગંધ બનીને સચવાઈ રહી છે. રાજ-દિલીપ-દેવની ત્રિપુટીમાંથી એક પણ નામનું સ્થાન મારા માટે બ્રહ્મા, વિષ્ણું,મહેશ એ ત્રિદેવનાં સ્થાનથી ઊતરતું નથી.મને સાહિર લુધિયાન્વી અત્યંત પ્રિય છે. મહંમદ રફી સાહેબ, તલત સાહેબ અને હેમંત કુમાર મારા સ્વજનો છે. આ યાદી લાંબી છે અને શાશ્વત છે. જો મારી પાસે કાળનો અનંત સથવારો હોય અને ફુરસતની મીડી નજર હોય તો આ તમામ કલાકારો વિશે હું એક-એક પુસ્તક અવશ્ય લખું. પણ મારી સ્થિતિ ‘તંગ દામન, વક્ત કમ ઔર ગુલ બેશૂમાર’ની શેર પંક્તિ જેવી છે. લતા મંગેશકરની જીવનકથા રચવા બાબતે હું સંકળાઈ ગયો છું જ, પણ હું હવે પછી કોના વિશે લખવું એની જબરી ગડમથલ મારા દિમાગમાં ચાલી રહી હતી. બીજા ઘણાં બધાં નામો હાથ ફેલાવતાં મારી સામે ઊભેલા હતાં. ગમમાં ડૂબેલા દિલીપકુમાર હતાં તો રમમાં ડૂબેલા સાયગલ સાહેબ હતાં. સંગીતનાં ભીષ્મ પિતામહ્ સમા અનિલ બિસ્વાસ હતાં, તો મખમલનાં માલિક તલત સાહેબ હતાં. લાઈન લાંબી હતીં, પણ શાંત હતી, શિસ્તબદ્ધ હતી. પણ ત્યાં જ એક કલાકાર, આસમાન જેટલો ઊંચો અને સાગર જેટલો ઊંડો, અચાનક મારી સામે આવીને ઊભો રહી ગયો. લાઈન છોડીને અને લાઈન તોડીને ઊભો રહ્યો. મેં એને સમજાવવાની લાખ વાર કોશિશ કરી જોઈ: “ કૃપયા પ્રતિક્ષા કીજીએ, આપ કતારમેં હૈ!” જવાબમાં એણે પોતાના મુલ્કમશહૂર ઘૂંટાયેલા ઘેઘૂર મર્દાના અવાજમાં સંભળાવી દીધું, “ અપૂન જીઘર ખડા રહ જાતા હૈ, લાઈન વહી સે શૂરુ હોતી હે!” મિત્રો, ફિલ્મ ‘કાલીયા’નો આ સંવાદ અમિતાભ બચ્ચને માત્ર પેલા ખલનાયકને સંભળાવેલો જવાબ નથી; આ સંવાદ તો છેક 1931થી શરૂ થયેલી બોલતી હિંદી ફિલ્મોનાં આજ સુધીનાં તમામ અભિનેતોઓ માટે બોલાયેલા જવાબ છે. અમિતજી જ્યાં પણ ઊભા રહેશે, લાઈન ત્યાંથી શરૂ થશે. આ કાગળો ઉપર આલેખાતી મહાગાથા માટે અમિતજીનો જન્મ આજે થઈ રહ્યો છે. પ્રથમ ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’ની નગણ્ય સફળતાને નજરઅંદાજ કરીએ તો હિંદી સિનેમાનાં ઈતિહાસમાં બાબુ મોશાયનો જન્મ થયો હતો 1971માં આવેલી ફિલ્મ ‘આનંદ’માં. અને જો એમની છ ફીટ, બે ઈંચની કાયામાં સમાયેલા આસમાન જેવડા ઊંચા વ્યક્તિત્વની વાત કરીએ તો એમનો જન્મ થયો હતો...! તા. 10/10/1942નાં દિવસે કટરા શહેરમાં ડૉ. બ્રારનાં નર્સિંગ હોમમાં શ્રીમતી તેજી હરિવંશરાય બચ્ચન નામની મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. નોર્મલ ડીલીવરી હતી. સાડા આઠ મહિને અવતરેલા બાળકનું વજન સાડા આઠ પૌંડ હતું અને એના દેહની લંબાઈ હતી 52 સેન્ટિમીટર. નવજાત શિશુને માતાની ગોદમાં મૂકતી વખતે ડૉ. બ્રાર બોલી ગયાં, “ બાળકની લંબાઈ ખૂબ સારી છે. લાગે છે કે મોટું થઈને એ ઊંચું થશે.” “માત્ર ઊંચું નહીં, એ મહાન પણ થશે!.” કોઈએ સાંભળ્યું નહીં હોય એવું આ વાક્ય કોણ બબડી ગયું?! એ વિધાતા તો નહીં હોય? નોંધ: પ્રકરણ-3 આવતા સપ્તાહે તા-24-05-11ના રોજ આ જ જગ્યાએ પ્રસિધ્ધ કરવામાં આવશે. પ્રકરણ-3 માં શું હશે ? અમિતાભના દાદાએ તેના પુત્રનું નામ હરિવંશરાય કેમ પાડ્યું? બચ્ચન પરિવારે તેના ખાનદાની અટક શ્રીવાસ્તવ કેમ ભૂંસી નાંખી? પૂરા હિંદાસ્તાનને મદહોશ બનાવી દેનાર અમર કાવ્યસંગ્રહ ‘મધુશાલા’નું સર્જન કેવી રીતે થયું? તેજી ખજાનસિંહ સુરીનો હરિવંશરાયના જીવનમાં કેવી રીતે થયો પ્રવેશ?
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: dr sharad thakar wiritng on amitabh bachchan
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext