વિવેક ઓબેરોય હંમેશા તેની હરકતોને કારણે ચર્ચામાં રહેતો હોય છે. તેના આવા એટિટ્યૂડથી સૌથી મોટું નુકસાન તેને પોતાને જ થાય છે. સંજય ગુપ્તાને નારાજ કર્યા બાદ હવે અભિનેતાને બિજોય નામ્બિયારની ફિલ્મમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિવેકને ‘ડેવિડ’ ફિલ્મ માટે બિજોયે ઓફર કરેલા રોલ માટે શરૂઆતથી જ સમસ્યા હતી. ફિલ્મમાં ત્રણ પાત્રો છે, અને ત્રણેયના નામ ડેવિડ છે. વિવેક સાથે ફિલ્મની ચર્ચા કરતાં તેણે ત્રણેય રોલ પોતે જ ભજવવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ, એ શક્ય ન બનતાં વિવેકે બાકીના બે રોલ માટે કયા અભિનેતાને લેવામાં આવશે તે જાણવાનો આગ્રહ રાખ્યો હતો. આખરે, મેકર્સે વિવેકને પડતો મૂકવાનો નિર્ણય કર્યો હતો.
આ પહેલાં તેને ‘શૂટઆઉટ એટ વડાલા’માંથી પણ પડતો મૂકવામાં આવ્યો હતો. આ પાછળનું કારણ એ જણાવાયું હતું કે વિવેકને સેકન્ડ લીડનો રોલ પસંદ પડ્યો નહોતો. પરંતુ, સંજય ગુપ્તાના જણાવ્યા પ્રમાણે વિવેકના અનપ્રોફેશનલ એપ્રોચને કારણે તેને પડતો મૂકાીયો હતો. હવે બિજોયની ‘ડેવિડ’માં વિવેકનો રોલ નીલ નીતિનને સોંપાય તેવી શક્યતા છે.