અમિતાભ બચ્ચનના યુવાનીના દિવસોની આદતોની જાણ ભાગ્યે જ કોઈને હશે. યુવાન અમિતને બે ચીજોનો ગાંડો શોખ હતો શરાબ અને સિગારેટ. આપણને આ જાણીને જ આઘાત લાગે પણ વધુ મોટો આઘાત તો આ બંને ચીજોની માત્રા વિષે જાણીએ ત્યારે લાગે.
અમિતાભ રોજ સો સિગારેટો ફૂંકી મારતા હતાં. જો ઊંધવું, નહાવું,ખાવું અને નોકરી કરવી- આટલા સમય બાદ કરી નાખીએ તો સો સિગારેટો ફુંકવા માટે એમની પાસે લગભગ રોજ ત્રણસો સાંઈઠ મિનિટે એક સિગારેટ ફુંકતા હતાં. આમાં માચીસ કે લાઈટર વાપરવાનો સવાલ જ ક્યાં આવ્યો યસ, અમિતાભ વૉઝ એ ચેઈન-સ્મૉકર. એમની દરેક નવી સિગારેટ જૂની સિગારેટનાં તિખારામાંથી આગ પકડતી હતી.
બચ્ચનને મદ્યપાનનાં તમામ વિક્રમો સર કર્યા
હવે વાત શરાબ-પાનની. ‘મધુશાલા’ના રચિયતા કવિ બચ્ચનજીના આ પાટલીપુત્રે મદ્યપાનનાં તમામ વિક્રમો સર કરી લીધા હતાં.
અમિતાભ એક દિવસમાં સ્કૉચ વ્હિસ્કીની બે બોટલ્સ ગટગટાવી જતાં હતા. જે લોકો શરાબ પાન કરે છે એમની આંખો આ ‘ડૉઝ’ સાંભળીને પહોળી થઈ જશે. સામાન્ય રીતે ચાર પાંચ મિત્રો ભેગા થઈને પેટ ભરીને (અને પેગ ભરીને) બે-ત્રણ કલાક લાંબી શરાબપાનની મહેફિલ જમાવે ત્યારે એક બોટલ ખતમ થઈ શકે. (આ મારો અંદાજ છે.) અહીં તો એક જ માણસ બે બાટલીઓ ખાલી કરી નાખે એ વાત છે.
દારૂ પીવાનીયે પાછી અલગ-અલગ રીતો હતી. એમાં એક રીત શરાબ પીનારનું બેલેન્સ ચકાસવાની હતી. અમિતાભ અને એના મિત્રોની વચ્ચે એક શરત મારવામાં આવતી હતી. સ્કૉચ વ્હિસ્કીની પૂરી બોટલ એકીશ્વાસે ગટગટાવી જવાની! પેગ બનાવવાની વાત જ નહીં; બાટલી જ સીધી મોંએ માંડવાની. એમાં સોડા કે પાણી નહી ઉમેરવાનું. વીટ વ્હિસ્કી પી જવાની. (સ્કૉચ વ્હિસ્કીમાં સમાયેલા આલ્કોહોલની સાંદ્રતા જોઈએ તો એવું કહી શકાય કે આટલો તેજ શરાબ પીનારની હોજરીની આંતરત્વચા ખલાસ કરી નાખે. લીવરનું શું થાય એની તો કલ્પના જ કરવી રહી.
પણ વ્હિસ્કી આ રીતે ગટગટાવી નાખવાથી શું વળે?! શરત તો દિમાગી અને શારીરિક સંતુલન જાળવી રાખવાની છે. શરત એ હતી કે મહેફિલનું સ્થળ એટલે કે એકાદ મિત્રનો ફ્લેટ સાતમા માળે આવેલો હોય, એ ફ્લેટની બારીને ‘ગ્રીલ’ ન હોય, એ ખુલ્લી બારીની ફ્રેમ વચ્ચે બેસીને કશું પણ ઝાલ્યા વગર દારૂ પી જવાનો રહેતો.
બોટલ મોંએ લગાવીને શરાબ પીવો હોય તો માથું સહેજ પાછળની દિશામાં નમાવવું જ પડે. એના કારણે આખો દેહ બારીની બહારની તરફ ઢળે. (વાંચકોને વિનંતી છે કે તેઓ આવો કોઈ પ્રયાસ ન કરે આમ કરવાથી જીવનું જોખમ રહેલું છે.) કોઈપણ વસ્તુનો સહારો હોય નહીં. શરાબ ઝડપથી હોજરીમાં, ત્યાંથી લોહીમાં અને ત્યાંથી દિમાગી કોષોમાં ભળતો જતો હોય, ત્યારેજો સંતુલન સહેજ સરખુંયે લથડે તો સાતમા માળ પરથી સીધા ભોંય ઉપર આવી જવાય.
અમિતાભને બાદ કરતાં એકપણ મિત્ર આ શરત ક્યારેય જીતી શકતો ન હતો
બીયર પીવા માટે વળી અલગ શરત રહેતી હતી. આઠ-દસ મિત્રો જમીન પર ગોળ કુંડાળુ બનાવીને ગોઠવાઈ જતા હતાં. બધાની વચ્ચે બીયરનો મગ માત્ર એક જ રહેતો હતો. શરૂઆત કોઈ એકથી થાય. એ એક મગ ખાલી કરે એ પછી બાજુવાળાનો વારો આવે. એણે એ જ મગમાં બીયર ભરીને પી જવો પડે. પછી ત્રીજા, ચોથા, પાંચમાનો વારો આવે. એમ કરતાં તમામ મિત્રોનો એક રાઉન્ડ પૂરો થઈ જાય, એટલે બીજા મગની શરૂઆત થાય. ડૉઝ વધતો જાય. જેની ક્ષમતાની હદ આવી જાય, તે મિત્ર ‘આઉટ’ થઈ જાય. (બંને અર્થમાં આઉટ!)
સંગીત-ખુરશી જેવી જ લગભગ કહી શકાય તેવી આ શરતામાં જે સૌથી છેલ્લો ટકી રહે તેને વિજેતા જાહેર કરવામાં આવે. ઈનામમાં બધાં એને તાળીઓથી વધાવી લે. ( જો ઢળી પડ્યો ન હોય અને હજુ પણ તાળીઓ પાડવાનાં હોશ બચ્યા હોય તો!) આ શરત પણ કાયમ અમિતજી જ જીતી જતા હતાં.
વિજેતાનાં ભાગે ઈનામ કરતાં સજા વધુ મોટી આવતી હતી. શરત એવી રાખવામાં આવતી કે મોડી રાત્રે શરાબ-પાર્ટી ખતમ થાય એ પછી જે હોશમાં રહ્યો હોય તે બાકીના મિત્રોને ગાડીમાં બેસાડીને, જાતે ગાડી હંકારીને એરપોર્ટની કેન્ટીનમાં ચા પીવા માટે લઈ જાય.
અમિતાભ પાસે એ સમયે ‘બ્લેર્ક્સ’ કંપનીએ આપેલી કાર હતી. એ ગાડી ‘સ્ટેન્ડર્ડ હેરોલ્ડ’ હતી. અમિતજી જાતે ડ્રાઈવ કરતા અને એ વખતે એમના તમામ સાથીદારો પાછળની બેઠકમાં લૂઢકી ગયેલા હોય એવું જોવા મળતુ હતું. નોંધવા જેવી બાબત એ છે કે આટલો શરાબ ઢીંચ્યા પછીયે ગાડી ચલાવી રહેલા અમિતાભે એકવાર પણ નાનો સરખોયે અકસ્માત કર્યો ન હતો.
વાત જ્યારે ‘આઉટ’ થવાની ચાલે છે, ત્યારે ત્રીજી એક રમત પણ જાણવા જેવી છે. એ રમત હતી ‘નોક આઉટ’ની. અમિતાભ શોધી લાવ્યા કે વ્હિસ્કી પીતી વખતે કોઈને જો ઝડપથી ઢાળી દેવો હોય તો એક ‘નીટ પેગ’ તૈયાર કરીને એમાં એક ચમચી ખાંડ ઓગાળી દેવાની. પછી મિત્રને કહેવાનું કે એ પેગ એક જ શ્વાસમાં હોજરીમાં ઠાલવી દે આમ કરવાથી શરાબ બમણી ત્વરાથી લોહીમાં ભળી જાય છે અને પીનારાને ‘નોક આઉટ’ કરી નાંખે છે.
હજુ પણ એ કહેવાની જરૂર ખરી કે આ રમતમાં પણ આખર સુધી કોણ ટકી રહેતું હતું???