બોલિવૂડના પીઢ અભિનેતા દેવ આનંદ ૧૯૭૧માં સુપરહીટ ગયેલી તેમની ફિલ્મ ‘હરે રામ હરે ક્રિશ્ના’ની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા હતા અને ટૂંક સમયમાં આ ફિલ્મનું નિર્માણ કાર્ય શરૂ કરવાના પણ હતા.
દેવ આનંદ ‘હરે રામ હરે ક્રિશ્ના’નું નેપાળમાં શૂટિંગ શરૂ કરવા માંગતા હતા. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર થઈ ગઈ હતી.
દેવ આનંદના નિર્દેશન હેઠળ તૈયાર થયેલી ફિલ્મ ‘ચાર્જશીટ’ના ફર્સ્ટલૂક માટે નેપાળની મુલાકાત લીધી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘જો અન્ય ફિલ્મોની રીમેક તૈયાર થઈ શકે તો આ ફિલ્મની પણ રીમેક કેમ નહીં? આ ફિલ્મ નવી પેઢીને પસંદ પડે તે રીતે તૈયાર કરવામાં આવશે.’
નોંધનીય છે કે, ‘ચાર્જશીટ’ એક સસ્પેન્સ થ્રીલર છે અને તેમાં સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસિંહ ગૃહમંત્રીની ભૂમિકા ભજવી હતી.
દેવ આનંદે કહ્યું હતું કે સિનેદર્શકો વધુ એક ‘હરે રામ હરે ક્રિશ્ના’ ઈચ્છતા હોય તેમ તેમને લાગતા આ ફિલ્મની રીમેક તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.